Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
દિવાલનું વૉટરપ્રૂફિંગ એ બિલ્ડિંગની દિવાલો મારફતે પાણીને અંદર પ્રવેશતું અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી એક વિશિષ્ટ પ્રકારની ટેકનિક છે. તેમાં વૉટરપ્રૂફિંગ માટેની વિવિધ પ્રકારની સામગ્રીઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીને બહાર રાખનારા એક વૉટરપ્રૂફ અવરોધની રચના કરે છે. આ સંરક્ષણાત્મક ઉપાય ખાસ કરીને એવા વિસ્તારો માટે મહત્વનો છે, જ્યાં ભારે વરસાદ પડતો હોય, અતિશય ભેજ રહેતો હોય કે ભેજના અન્ય સ્રોતો હોય.
વૉટરપ્રૂફિંગ ઘરની અંદરની અને બહારની એમ બંને દિવાલો પર કરી શકાય છે અને તે પાણી જામવા, ભેજ, ફૂગના વિકાસ અને માળખાંને નુકસાન જેવી પાણી-સંબંધિત સમસ્યાઓની સામે અસરકારક સુરક્ષા તરીકે કામ કરે છે. દિવાલોને સીલબંધ કરીને અને પાણીને પ્રવેશતું અટકાવીને દિવાલનું વૉટરપ્રૂફિંગ કરવાથી તે બિલ્ડિંગની અખંડિતતા જાળવવામાં અને માળખાંની લાંબી આવરદાની ખાતરી કરવામાં મદદરૂપ થશે.
દિવાલનું વૉટરપ્રૂફિંગ કરવાનો પ્રાથમિક ફાયદો બિલ્ડિંગનું પાણી-સંબંધિત નુકસાનથી રક્ષણ કરવાની તેની ક્ષમતા છે. પાણીચુસ્ત અવરોધની રચના કરીને તે દિવાલમાં પાણીને જામતું અટકાવે છે, જે નહીંતર માળખાંનાં ઘટકોનો સડો કરે છે અને તેને ખરાબ કરી નાંખે છે. જ્યાં ભારે વરસાદ કે પૂરનું જોખમ રહેલું છે, તેવા વિસ્તારોમાં આ સુરક્ષા ખાસ કરીને મહત્વની બની જાય છે.
ભીના અને ભેજવાળા વાતાવરણને કારણે ફૂગનો વિકાસ થાય છે, જેની ઘરની અંદર રહેલી હવાની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે અને તેનાથી આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે. વૉટરપ્રૂફ કૉટિંગ કરવાથી દિવાલોમાં ભેજ જામતો અટકાવી શકાય છે, જેના પગલે દિવાલો અને અન્ય સપાટીઓ પર ફૂગ વિકસી શકતી નથી.
જ્યારે પાણી દિવાલમાં પ્રવેશે છે, ત્યારે તે સમય જતાં બિલ્ડિંગની માળખાગત અખંડિતતાને નબળી પાડી દે છે. વૉટરપ્રૂફિંગ કરવાથી દિવાલો મજબૂત બને છે, બાહ્ય બળો સામે પ્રતિરોધ કરવાની તેની ક્ષમતામાં વધારો થાય છે અને માળખાંની એકંદર સ્થિરતાની ખાતરી કરી શકાય છે.
શરૂઆતમાં દિવાલનું વૉટરપ્રૂફિંગ કરવામાં મોટું રોકાણ લાગી શકે છે પરંતુ તે લાંબાગાળે નાણાંની ઘણી મોટી બચત કરે છે. પાણીથી થતાં નુકસાનને અટકાવીને સંપત્તિના માલિકો મોંઘા સમારકામ અને જાળવણીની કામગીરીઓને ટાળી શકે છે, જેના લીધે આખરે નાણાંની બચત થાય છે.
વૉટરપ્રૂફિંગ કરવાથી બિલ્ડિંગમાં વીજળીના વપરાશમાં પણ ઘણો ઘટાડો થઈ શકે છે. દિવાલમાં પડેલી તિરાડો અને ગાબડાં પૂરવાથી તે હવાના લીકેજને ઘટાડે છે અને થર્મલ બ્રિજિંગને અટકાવે છે, જે વુધ કાર્યક્ષમ હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ તરફ દોરી જાય છે.
યોગ્ય વૉટરપ્રૂફિંગ કરેલી સારી રીતે જાળવવામાં આવેલી સંપત્તિ સંભવિત ખરીદદારોને ખૂબ જ આકર્ષક લાગે છે. તે બિલ્ડિંગનું મૂલ્ય વધારે છે અને જો તમે સંપત્તિને માર્કેટમાં વેચવા મૂકવાનો નિર્ણય લો છો તો તે તમને સારા નાણાં રળી આપે છે.
દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવું એ એક ચતુરાઈભર્યું રોકાણ છે, જે તમારી સંપત્તિનું તો રક્ષણ કરે જ છે પરંતુ તેની સાથે-સાથે રહેવા કે કામ કરવા માટે એક સલામત અને આરામદાયક માહોલની રચના પણ કરે છે. બાંધકામ નવું હોય કે જૂનું, દિવાલનું વૉટરપ્રૂફિંગ કરવાના ફાયદા એ બાબત સ્પષ્ટ કરી દે છે કે, આ સંરક્ષણાત્મક ઉપાય એક જરૂરિયાત છે, વૈભવ નહીં.
દિવાલના વૉટરપ્રૂફિંગને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ ઘરની બહારનું અને અંદરનું વૉટરપ્રૂફિંગ. આ પ્રત્યેક પ્રકારમાં વિવિધ પદ્ધતિઓ અને સામગ્રીઓનો સમાવેશ થાય છે, જે ચોક્કસ જરૂરિયાતો અને પરિસ્થિતિને અનુરૂપ હોય છે.
ઘરની બહારની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવું એ બહારથી પ્રવેશતા ભેજની નુકસાનકારક અસરોથી બિલ્ડિંગનું રક્ષણ કરવા માટે ઘણું મહત્વનું છે. વૉટરપ્રૂફિંગ રસાયણનું સંરક્ષણાત્મક સ્તર ઘરની બહારની દિવાલને તેની સુંદરતા જાળવવામાં અને પાણી સંબંધિત સંભવિત સમસ્યાઓથી તેનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે.
આ પદ્ધતિમાં ઘરની બહારની દિવાલો પર સીધું જ સીમેન્ટ પર આધારિત વૉટરપ્રૂફિંગ સંયોજન લગાવવામાં આવે છે. આ સંયોજન ઘટ્ટ, સંક્ષણાત્મક સ્તરની રચના કરે છે, જે પાણીને દિવાલોમાં જામતા અટકાવે છે. સીમેન્ટ પર આધારિત વૉટરપ્રૂફિંગ ખૂબ જ ટકાઉ હોય છે અને આબોહવાની આકરી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે, જે તેને રહેણાક અને કૉમર્શિયલ બિલ્ડિંગોની બહારની દિવાલો માટે અનુકૂળ વિકલ્પ બનાવે છે.
લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન્સ એ બહારની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવા માટેનો એક લોકપ્રિય વિકલ્પ છે. તેને પ્રવાહી આવરણ તરીકે લગાવવામાં આવે છે, જે દિવાલ પર એક નિર્બાધ, સ્થિતિસ્થાપક અને વૉટરપ્રૂફિંગ અવરોધની રચના કરે છે. આ મેમ્બ્રેન્સ વિવિધ પ્રકારની સપાટીઓ પર સરળતાથી ચોંટી જાય છે અને તિરાડ પડ્યાં વગર માળખાંમાં થતી ગતિવિધિની સાથે અનુકૂલન સાધી લે છે, જે લાંબાગાળે પાણીના પ્રવેશની સામે ઉત્તમ સુરક્ષા પૂરી પાડે છે.
બિટ્યુમિનીયસ વૉટરપ્રૂફિંગ એ એક અનુભવસિદ્ધ પદ્ધતિ છે, જેમાં ઘરની બહારની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવા માટે બિટ્યુમેન પર આધારિત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મહત્તમ અસરકારકતાની ખાતરી કરવા માટે ઘણીવાર તેના એકથી વધુ લેયરો લગાવવામાં આવે છે. બિટ્યુમિનીયસ મેમ્બ્રેન્સ યુવી કિરણોનો પ્રતિરોધ કરે છે અને તાપમાનમાં આવતાં ફેરફારોની સામે ટકી રહે છે, જે તેને ઘરની બહાર ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે.
મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ સિસ્ટમ મોડિફાઇડ બિટ્યુમેન, પીવીસી કે ઇપીડીએમ જેવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવેલી પ્રીફેબ્રિકેટેડ શીટ્સ ધરાવે છે. આ શીટ્સને ઘરની બહારની દિવાલો પર લગાવીને પાણીના પ્રવેશની સામે એક સાતત્યપૂર્ણ અવરોધની રચના કરવામાં આવે છે. મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ સરળતાથી ઇન્સ્ટોલેશન માટે જાણીતી છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ નિમ્ન-વર્ગની કામગીરીઓ અને ફાઉન્ડેશનની દિવાલો માટે થાય છે.
ઘરની અંદરની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવાથી ઘરની અંદરની જગ્યાઓને ભેજ અને પાણીના પ્રવેશ સામે સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળી રહે છે. વૉટરપ્રૂફિંગ પ્રવાહી વડે ઘરની અંદરના ભાગોને સુરક્ષિત રાખવાથી આરામદાયક અને તંદુરસ્ત માહોલની ખાતરી કરી શકાય છે.
વૉટરપ્રૂફ પેઇન્ટ અને સીલન્ટ્સની મદદથી ઘરની અંદરની દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરી શકાય છે. ભેજને ઘરની અંદર પ્રવેશતો અટકાવનારા સંરક્ષણાત્મક અવરોધની રચના કરવા માટે આ ઉત્પાદનોને ઘરની અંદરની દિવાલો પર લગાવવામાં આવે છે. તે પાણીની સામે પ્રતિરોધ પૂરાં પાડતાં હોવાની સાથે જ્યાં પાણીની સાથે સતત સંસર્ગમાં આવવાનું થતું હોય તેવા બાથરૂમ અને રસોડા જેવી જગ્યાઓ માટે તે શ્રેષ્ઠ રીતે અનુકૂળ આવે છે.
ઇન્ટીરિયર વૉટરપ્રૂફ મેમ્બ્રેનને દિવાલની અંદરની બાજુઓ પર લગાવવામાં આવે છે. તે પાણી સામે મજબૂત અવરોધ પૂરો પાડે છે અને જ્યાં ઘરની બહારની દિવાલો પર વૉટરપ્રૂફિંગ કરવું પૂરતું ના હોય તેવા વિસ્તારોમાં તે સવિશેષ રીતે મદદરૂપ થાય છે. આ વૉટરપ્રૂફ મેમ્બ્રેન્સનો ઉપયોગ સામાન્ય રીતે ભોંયરામાં અને ફાઉન્ડેશનની દિવાલોમાં થાય છે, જેથી કરીને પાણીને બહારથી ઘરની અંદર પ્રવેશતું અટકાવી શકાય.
પાણીને જામતું અસરકારક રીતે અટકાવવા માટે ઘરની અંદરની દિવાલો પર ડ્રેનેજ બૉર્ડને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ બૉર્ડ્સ ચેનલો ધરાવે છે, જે પાણીને ડ્રેનેજ સિસ્ટમ તરફ લઈ જાય છે, જે ખાતરી કરે છે કે પાણી દિવાલોમાં ભરાય નહીં. ડ્રેનેજ બૉર્ડ પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઇન્ટીરિયર વૉટરપ્રૂફિંગ પદ્ધતિઓની સાથે સારી રીતે કામ કરે છે.
સીમેન્ટિયસ કૉટિંગને સીધું જ ઘરની અંદરની દિવાલો પર લગાવવામાં આવે છે અને તે સપાટીની અંદરની પ્રવેશીને અને પાણીને પ્રવેશતું અટકાવીને વૉટરપ્રૂફ અવરોધની રચના કરે છે. ભેજની સામે એકંદર સુરક્ષાને વધારવા માટે ઘણીવાર તેનો ઉપયોગ વૉટરપ્રૂફિંગની અન્ય પદ્ધતિઓની સાથે થાય છે.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, દિવાલોનું વૉટરપ્રૂફિંગ કરવું એ એક સંરક્ષણાત્મક ઉકેલ છે, જે તમારા ઘર કે બિલ્ડિંગના ટકાઉપણા અને લાંબી આવરદાની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દિવાલ પર પાણીના પ્રવેશની નુકસાનકારક અસરોને લીધે માળખું ખરાબ થઈ જાય છે, ફૂગ વિકસે છે અને સમગ્ર માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે તેવી બીજી ઘણી સમસ્યાઓ પેદા કરે છે. દિવાલના યોગ્ય વૉટરપ્રૂફિંગની પદ્ધતિમાં અથવા તો દિવાલો માટેના વૉટરપ્રૂફ રસાયણોમાં રોકાણ કરીને તમે પાણી સંબંધિત નુકસાન સામે તમારી સંપત્તિનું રક્ષણ કરી શકો છો, રહેવા માટે તંદુરસ્ત માહોલ જાળવી શકો છો અને લાંબાગાળે આવતાં સમારકામના ખર્ચાઓને ટાળી શકો છો.
ભેજ ખરેખર એક ગંભીર સમસ્યા સાબિત થઈ શકે છે, કારણ કે, તે ફૂગના વિકાસ, માળખાંમાં સડો અને ઘરની અંદરની હવાની ખરાબ ગુણવત્તાને કારણે આરોગ્ય સંબંધિત જોખમ સહિત અનેકવિધ સમસ્યાઓ તરફ દોરી જઈ શકે છે. જો તેનો કોઈ ઇલાજ કરવામાં ના આવે તો, ભેજયુક્ત દિવાલો બિલ્ડિંગના માળખાંને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તે રહેવા માટે લાયક રહેતા નથી.
સામાન્ય રીતે ભેજવાળી દિવાલને વૉટરપ્રૂફ કરવાની સલાહ આપવામાં આવતી નથી. વૉટરપ્રૂફ સોલ્યુશનને લગાવ્યાં પહેલાં ભેજની અંતર્નિહિત સમસ્યાને ઉકેલવી જરૂરી છે, જેમાં ગળતરને પૂરવા, પાણીના નિકાલને સુધારવા કે ઘનીકરણની સમસ્યાને ઉકેલવાનો સમાવેશ થાય છે. એકવાર દિવાલ સૂકાઈ જાય અને સમસ્યાના મૂળને દૂર કરવામાં આવે, તે પછી ભવિષ્યમાં ભેજ ફરીથી ના આવે તે માટે વૉટરપ્રૂફિંગના ઉકેલોને લાગુ કરી શકાય છે.
દિવાલોમાં ભેજ વિવિધ પરિબળોને કારણે આવી શકે છે, જેમાં છતમાંથી પાણી ગળવું, ખામીયુક્ત પ્લમ્બિંગ, જમીનમાંથી ભેજ ઉપર ચઢવો, અયોગ્ય વેન્ટિલેશન તથા તાપમાન અને ભેજના તફાવતોને કારણે થતાં ઘનીકરણનો સમાવેશ થાય છે.
દિવાલમાં ભેજ આવવાના સર્વસામાન્ય ચિહ્નોમાં પાણીના ધબ્બા દેખાવા, પેઇન્ટ કે વૉલપેપર ઉખડવા, વાસી દુર્ગંધ મારવી, ફૂગનો વિકાસ થયેલો જોવા મળવો અને પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ભીનાશ કે ભેજની અનુભૂતિ થવાનો સમાવેશ થાય છે.
બારીઓ ખુલ્લી રાખવાથી હવાઉજાસમાં સુધારો થતાં ભેજ ઘટાડવામાં મદદ મળી શકે છે, રૂમની અંદરની વાસી હવા બહાર નીકળી જાય છે અને બહારની તાજી હવા અંદર આવી શકે છે. બાથરૂમ અને રસોડા જેવા વિસ્તારો કે જ્યાં ભેજ રહેતો હોય તેમાં યોગ્ય હવાઉજાસ ખૂબ જ જરૂરી છે.