Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
બૅકફિલિંગ એ ફાઉન્ડેશનનું નિર્માણ થયાં બાદ ટ્રેન્ચમાં અથવા તો ફાઉન્ડેશનની દિવાલની સામે ખોદેલી માટીને બદલીને પાછી નાંખવાની પ્રક્રિયાને સંદર્ભિત કરે છે. તે ફાઉન્ડેશનને લેટરલ સપોર્ટ પૂરો પાડવા, પાણીના નિકાલને સુધારવા અને માટીનું કૉમ્પેક્શન કરવા તથા સમયાંતરે ફાઉન્ડેશનને ખસી જતાં કે સેટલ થઈ જતાં નિવારવા સહિત ઘણાં બધાં હેતુઓને સર કરે છે. આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવાથી ફાઉન્ડેશનની સ્થિરતા અને લાંબી આવરદાની ખાતરી કરી શકાય છે, માળખાંગત સમસ્યાના જોખમ અને મોંઘા સમારકામોને શક્ય એટલા ઘટાડી શકાય છે.
બાંધકામમાં બૅકફિલિંગ કરવામાં ફાઉન્ડેશનની આસપાસ અને ખોદકામની અંદર અનુકૂળ સામગ્રીની કાળજીપૂર્વકની ગોઠવણ અને કૉમ્પેક્શન કરવાનો સમાવેશ થાય છે. બૅકફિલની સામગ્રીને તેના ગુણધર્મો તથા સાઇટની સ્થિતિની સાથે તેની સુસંગતતા પર આધાર રાખીને પસંદ કરવામાં આવે છે. જે સર્વસામાન્ય સામગ્રીનો ઉપયોગ થાય છે, તેમાં માટી, ગ્રેવલ (કાંકરા), ક્રશ કરેલા પથ્થરો અને રેતીનો સમાવેશ થાય છે. તેની પસંદગીનો આધાર ઘણાં બધાં પરિબળો પર રહેલો છે, જેમ કે, માટીનો પ્રકાર, ભાર ઉઠાવવાની ક્ષમતા, પાણીના નિકાલની જરૂરિયાતો અને પર્યાવરણ સંબંધિત બાબતો.
બાંધકામના ફાઉન્ડેશનમાં બૅકફિલિંગ અસરકારક રીતે થાય તેની ખાતરી કરવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ. તો ચાલો, આ પરિબળો કયા છે, તે જાણીએઃ
બૅકફિલની સામગ્રીની પસંદગી એ ખૂબ જ મહત્વનો નિર્ણય ગણાય છે, જેનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે. સૌથી પહેલાં તો, માટીનો પ્રકાર અને તેના ગુણધર્મોને ધ્યાન પર લેવા જોઇએ. ઉદાહરણ તરીકે, જો હાલમાં જે માટી છે, તેની પાણીના નિકાલની ક્ષમતા ખરાબ હોય તો, પાણીની નિકાલના સારા ગુણધર્મો ધરાવતી હોય તેવી સામગ્રી પસંદ કરો, જેમ કે, ગ્રેવલ (કાંકરા) કે ક્રશ કરેલા પથ્થરો, જે ફાઉન્ડેશનની આસપાસ પાણીને ભેગું થતું અટકાવવા માટે ખૂબ જ મહત્વના છે.
બીજું, બૅકફિલની સામગ્રીની ભાર ઉઠાવવાની ક્ષમતા પણ મહત્વપૂર્ણ છે. આવી સામગ્રી ફાઉન્ડેશનને યોગ્ય સપોર્ટ પૂરી પાડતી હોવી જોઇએ અને ભારને એકસમાન રીતે વહેંચી લેતી હોવી જોઇએ. માળખાંનો પ્રકાર, માટીની સ્થિતિ અને અપેક્ષિત ભાર વગેરે એવા પરિબળો છે, જેને સામગ્રીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા જોઇએ.
માટીની ઘનતાના ઇચ્છિત સ્તરને હાંસલ કરવા માટે બૅકફિલની સામગ્રીનું યોગ્ય રીતે કૉમ્પેક્શન થાય તે જરૂરી છે. બાંધકામમાં બૅકફિલિંગ અને કૉમ્પેક્શન ખાલી જગ્યાઓને દૂર કરે છે, માટીની શક્તિ વધારે છે અને સેટલમેન્ટના જોખમને ઘટાડે છે. કૉમ્પેક્શનની પ્રક્રિયાને વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરીને હાથ ધરી શકાય છે, જેમ કે, વાઇબ્રેટરી રોલર્સ કે પ્લેટ કૉમ્પેક્ટર્સ, જે એકરૂપતા અને સ્થિરતાની ખાતરી કરવા માટે બૅકફિલની સામગ્રી પર દબાણ કરે છે.
કૉમ્પેક્શન કરવા માટેના જરૂરી પ્રયાસોનો આધાર બૅકફિલની સામગ્રીના પ્રકાર, ભેજની માત્રા અને કૉમ્પેક્શનના ઇચ્છિત સ્તર જેવા પરિબળો પર રહેલો છે. કૉમ્પેક્શનની યોગ્ય ઘનતા હાંસલ કરવા માટે ઉદ્યોગો માટેની માર્ગદર્શિકા અને સ્પષ્ટીકરણોનું પાલન કરવું ખૂબ જ મહત્વનું છે.
બાંધકામમાં બૅકફિલિંગની પ્રક્રિયાનો સમયગાળો પણ બાંધકામના ફાઉન્ડેશનની મજબૂતાઈમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફાઉન્ડેશન બન્યાં પછી તરત જ તેને કરવું જોઇએ નહીં. તેના બદલે, ફાઉન્ડેશન બૅકફિલની સામગ્રીનો ભાર સહન કરવા માટે પૂરતી મજૂબતાઈ મેળવી લે તે માટે તેને પૂરતો સમય આપવો જોઇએ. આથી વિશેષ, જે વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય ત્યાં વરસાદને કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ ઓછી ઘટતી હોય તેવા સમયમાં આ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી બની જાય છે.
પ્રોજેક્ટની જરૂરિયાત પર આધાર રાખીને બૅકફિલિંગની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો, તેના કેટલાક સર્વસામાન્ય પ્રકારો વિશે જાણકારી મેળવીએઃ
કાંકરા (ગ્રેવલ) અને ક્રશ કરેલા પથ્થરો જેવી બરછટ-દાણાદાર માટી બૅકફિલની સામગ્રી તરીકે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આ સામગ્રી પાણીના નિકાલના શ્રેષ્ઠ ગુણધર્મો ધરાવે છે, જેના લીધે પાણી બૅકફિલના વિસ્તારમાંથી સરળતાથી વહી જાય છે. તે ભાર ઉઠાવવાની સારી ક્ષમતા પણ પૂરી પાડે છે, જેના લીધે ફાઉન્ડેશનની સ્થિરતા અને અખંડિતતાની ખાતરી પણ થઈ શકે છે.
જીણી-ગ્રેડેડ માટીમાં રેતીનો સમાવેશ થાય છે, જે તેની કૉમ્પેક્શનની લાક્ષણિકતા અને ફાઉન્ડેશનને સ્થિર જાળવી રાખવાની તેની ક્ષમતાને લીધે બૅકફિલિંગ માટે એક લોકપ્રિય વિકલ્પ છે. આ સામગ્રી અસરકારક કૉમ્પેક્શન પૂરું પાડે છે અને સેટલમેન્ટને શક્ય એટલું ઘટાડે છે, જે માળખાં માટે એક નક્કર સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે.
ફ્લાય એશ અને સ્લેગ જેવી કૉમર્શિયલ આડપેદાશો પણ બૅકફિલની સામગ્રી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ સામગ્રીઓ સારા કૉમ્પેક્શનના ગુણધર્મો તો પૂરાં પાડે જ છે, પરંતુ તેની સાથે-સાથે પર્યાવરણની સસ્ટેનેબિલિટીમાં પણ યોગદાન આપે છે. બૅકફિલિંગમાં આ આડપેદાશનો ઉપયોગ કરવાથી કચરો ઘટાડી શકાય છે અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડી શકાય છે.
ફ્લોએબલ ફિલ તરીકે પણ જાણીતા કન્ટ્રોલ્ડ લૉ સ્ટ્રેન્થ મટીરિયલ (સીએલએસએમ) એ બૅકફિલની સામગ્રીનો અન્ય એક પ્રકાર છે, જેનો ઉપયોગ ચોક્કસ સ્થિતિઓમાં થાય છે. સીએલએસએમમાં પોર્ટલેન્ડ સીમેન્ટ, ફ્લાય એશ, જીણા એગ્રીગેટ અને પાણીના મિશ્રણનો સમાવેશ થાય છે. તે આપમેળે લેવલિંગનો ગુણધર્મ ધરાવે છે, જે તેને મોટા ખોદકામને અને જટિલ ભૂમિતિ ધરાવતા વિસ્તારોને ભરવા માટે અનુકૂળ બનાવે છે.
અંતે ઉપસંહારમાં એમ કહી શકાય કે, બાંધકામમાં યોગ્ય રીતે બૅકફિલિંગ કરવું એ ફાઉન્ડેશનના નિર્માણનું એક મહત્વપૂર્ણ ઘટક છે. યોગ્ય સામગ્રી પસંદ કરીને, તેનું યોગ્ય રીતે કૉમ્પેક્ટિંગ કરીને અને સમયસર રીતે તેમનું બૅકફિલિંગ કરીને બાંધકામના પ્રોજેક્ટમાં સ્થિરતા હાંસલ કરી શકાય છે, સેટલિંગને નિવારી શકાય છે અને સંભવિત માળખાગત સમસ્યાઓને ટાળી શકાય છે. યોગ્ય ટેકનિકને અવગણવાથી ખર્ચાળ સમારકામ કરાવવા પડી શકે છે અને સુરક્ષાની સાથે બાંધછોડ પણ કરવી પડી શકે છે. આથી જ, બાંધકામમાં બૅકફિલિંગને પ્રાથમિકતા આપવી તથા લાંબા સમય સુધી ટકી રહે તેવા મજબૂત બૅકફિલ કરેલા ફાઉન્ડેશનની ખાતરી કરવા માટે નિષ્ણાતો સાથે સહયોગ સાધવો જરૂરી બની જાય છે.