Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
જ્યારે રંગેલી દિવાલની નીચે હવાની પરપોટીઓ કે પોપડીઓ થઈ જાય ત્યારે આ સમસ્યા પેદા થાય છે, જેના કારણે રંગ ઉખડી જાય છે અને ખરાબ થઈ જાય છે. દિવાલના કેટલાક ભાગ પર નાના ઢીમચા કે પરપોટીઓ ઉપસી આવવી એ તેની લાક્ષણિકતા છે અને આવા ઢીમચા કે પરપોટીઓ નાનકડાં ટપકાંથી માંડીને મોટા પટ્ટાઓ સુધીની સાઇઝના હોઈ શકે છે. જો તેનો કોઈ ઇલાજ કરવામાં ના આવે તો, સમય જતાં દિવાલ પર પડેલી આવી રંગની પોપડીઓ બદત્તર થતી જાય છે, જે રંગ ઉખડી જવા અને તિરાડો પડી જવા જેવા વધારે નુકસાન તરફ દોરી જાય છે અને તેના સમારકામ પાછળ ઘણો મોટો ખર્ચ કરવો પડી શકે છે. આ બ્લૉગમાં આપણે રંગોની પરપોટીઓ થઈ જવાના સર્વસામાન્ય કારણોની જાણકારી મેળવીશું અને તમને આ સમસ્યા નિવારવા અને તેને ઠીક કરવાના અસરકારક ઉકેલો પૂરાં પાડીશું, જેથી કરીને તમારી દિવાલ યથાવત્ જળવાઈ રહે અને તેની સુંદરતા અકબંધ રહે.
રંગની પોપડીઓ થઈ જવા માટે ઘણાં પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેના કારણે રંગેલી દિવાલની અખંડિતતા જોખમાઈ શકે છે. આ સમસ્યાને અસરકારક રીતે ઉકેલવા માટે તેની પાછળના કારણોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો, આ સમસ્યા પેદા થવાના સર્વસામાન્ય કારણો અને તેને નિવારવાના ઉપાયો વિશે જાણકારી મેળવીએઃ
રંગની પોપડી થઈ જવા પાછળના પ્રાથમિક કારણોમાંથી એક કારણ ગંદી અથવા ખરાબ રીતે તૈયાર કરેલી સપાટી પર રંગ લગાવવો છે. જ્યારે રંગકામ કરવા માટેની સપાટી ધૂળ, કચરાં, ગ્રીસ કે અન્ય કોઈ પદાર્થોથી દૂષિત થયેલી હોય ત્યારે તે યોગ્ય રીતે ચોંટવાની રંગની ક્ષમતાને અવરોધે છે. તેના પરિણામે રંગ સુકાવાની સાથે જ પરપોટીઓ કે પોપડીઓ થઈ જાય છે.
રંગકામની ગંદી સપાટીને કારણે થતી પરપોટીઓને નિવારવા રંગકામ કરતાં પહેલાં દિવાલને બરોબર સાફ કરવી અને તૈયાર કરવી જરૂરી છે. સ્ક્રેપર કે કાચ પેપરનો ઉપયોગ કરીને નીકળી ગયેલા કે ઉખડી ગયેલા રંગને દૂર કરીને શરૂઆત કરો. ત્યારબાદ, કચરાં, ગ્રીસ અને અન્ય પ્રદૂષકોને દૂર કરવા માટે હળવા ડીટર્જન્ટ સોલ્યુશન કે વિશિષ્ટ પ્રકારના વૉલ ક્લીનર વડે દિવાલને સાફ કરો. સપાટીને સારી રીતે વીંછળો અને તેની પર રંગ લગાવતા પહેલાં સંપૂર્ણપણે સૂકાવા દો.
પ્રાઇમર સપાટી અને રંગની વચ્ચે જોડાણ કરનારા મહત્વના એજન્ટ તરીકે કામ કરે છે, જે જોડાણને મજબૂત બનાવે છે અને દિવાલો પર રંગની પરપોટીઓ થવાની શક્યતાને ઘટાડી દે છે. પ્રાઇમરનો ઉપયોગ નહીં કરવાથી, ખાસ કરીને છિદ્રાળુ અને રંગ નહીં કરેલી સપાટી પર તેનો ઉપયોગ નહીં કરવાથી રંગ યોગ્ય રીતે દિવાલ પર ચોંટી શકતો નથી અને આખરે દિવાલ પર પોપડીઓ કે પરપોટીઓ થઈ જાય છે.
રંગકામ કરતાં પહેલાં દિવાલની સપાટી પર યોગ્ય પ્રાઇમર લગાવવાની ખાતરી કરો. પ્રાઇમર એકસમાન અને સ્થિર બેઝની રચના કરે છે, જે રંગના જોડાણને વધારે છે અને પોપડીઓ થઈ જતી અટકાવે છે. સપાટીની સામગ્રી અને તમે ઉપયોગમાં લેવા માટે જે પ્રકારના પેઇન્ટને પસંદ કરવા માંગો છે, તે બંનેની સાથે સુસંગત હોય તેવા પ્રાઇમરની પસંદગી કરો.
રંગકામની સપાટી પર અતિશય ભેજ હોવાથી રંગની પરપોટીઓ થવાની શક્યતા ઘણી વધી જાય છે. જ્યારે પાણી કે વધારે પડતો ભેજ સપાટીમાં પ્રવેશે છે, ત્યારે તે રંગની ફિલ્મની નીચે ફસાઈ જાય છે. ભેજ ઉડવાની સાથે જ તે દબાણ પેદા કરે છે, જેના કારણે રંગની પરપોટી થઈ જાય છે અને તે ઉખડી જાય છે.
દિવાલ પર ભેજને કારણે થઈ જતી રંગની પોપડીઓની સમસ્યાને ઉકેલવા માટે ભેજના સ્રોતને ઓળખવાનું અને તેનો ઉકેલ લાવવાનું મહત્વપૂર્ણ બની જાય છે. પાણી ગળતું હોવાની કે પાણીનું ઝમણ થવાની તો કોઈ સમસ્યા નથી તેનું નિરીક્ષણ કરો, જેમ કે, પ્લમ્બિંગમાંથી ગળતર થવું, છતમાં ગળતર થવું કે ઠારણ થવું. આવા કોઈ પણ ગળતરને રીપેર કરો અને જ્યાં ખૂબ વધારે માત્રામાં ભેજ હોય તેવા વિસ્તારમાં યોગ્ય વેન્ટિલેશન હોય તેની ખાતરી કરો, જેમ કે, બાથરૂમ અને રસોડું. વધુમાં રંગકામ કરતાં પહેલાં સપાટીને સંપૂર્ણપણે સૂકાઈ જવાનો પૂરતો સમય આપો.
અત્યંત ગરમી કે ઊંચું તાપમાન રંગની સૂકાવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, જેના કારણે પરપોટીઓ બની જાય છે. જ્યારે રંગ ખૂબ જ ઝડપથી સૂકાઈ જાય છે ત્યારે પેઇન્ટની ફિલ્મની અંદર ફસાયેલ સોલ્વન્ટ કે ભેજને બહાર નીકળવા માટે પૂરતો સમય મળતો નથી, જેના પરિણામે પોપડીઓ થઈ જાય છે.
ઊંચા તાપમાને કારણે રંગમાં થઈ જતી પરપોટીઓને નિવારવા માટે અતિશય ગરમ વાતાવરણ હોય ત્યારે રંગકામ નહીં કરવાની સલાહ આપવામાં આવે છે. દિવસ દરમિયાન ઠંડક હોય તેવા સમયે રંગકામ કરો અથવા મધ્યમ તાપમાન રહેતું હોય તેવી ઋતુને પસંદ કરો. વધુમાં રંગને સુકાવાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય વેન્ટિલેશન હોય તેની ખાતરી કરો, જેથી કરીને સોલ્વન્ટ્સ અને ભેજનું બાષ્પીભવન યોગ્ય રીતે થઈ શકે.
અયોગ્ય રોલર કવરનો ઉપયોગ કરવાથી પણ પરપોટીઓ થઈ શકે છે. ખોટા રોલર કવરને લીધે રંગ એકસમાન રીતે લગાવી શકાતો નથી અથવા તો તેનાથી લિંટ કે ફાઇબર પાછળ છુટી જતાં હોય છે, જે પેઇન્ટની અસમાન ફિલ્મ લાગવા તરફ અને ત્યારબાદ પોપડીઓ થઈ જવા તરફ દોરી જાય છે.
જ્યારે રોલર કવરને પસંદ કરી રહ્યાં હો ત્યારે તમે જે સપાટી પર રંગકામ કરવા જઈ રહ્યાં છો તેના પ્રકારને અને તમે જે પેઇન્ટ ઉપયોગમાં લઈ રહ્યાં હો તેના પ્રકારને ધ્યાનમાં લો. મુલાયમ કે ટેક્સચર ધરાવતી દિવાલ જેવી ચોક્કસ પ્રકારની સપાટીઓ માટે તથા લેટેક્સ કે ઓઇલ-આધારિત એમ વિવિધ પ્રકારના રંગો માટે અલગ-અલગ પ્રકારના રોલર કવરની રચના કરવામાં આવે છે. મુલાયમ અને એકસમાન એપ્લિકેશન હાંસલ કરવા માટે તમારા રંગકામના ચોક્કસ પ્રોજેક્ટને અનુકૂળ આવે તેવા રોલર કવરને પસંદ કરો.
રંગની પોપડીઓના આ સર્વસામાન્ય કારણોને નિવારવાથી અને ભલામણ કરવામાં આવેલા ઉકેલોને કામે લગાડવાથી તમે તમારા ઘરની દિવાલો પર રંગની પોપડીઓ થવાની સમસ્યાને શક્ય એટલી ઘટાડી શકો છો. જોકે, અહીં એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે, જો રંગની પોપડીઓ થઈ જવાની સમસ્યા અતિશય ગંભીર હોય અને સતત રહેતી હોય તો તેની અંતર્નિહિત સમસ્યાને ઓળખવા અને તેના યોગ્ય ઉકેલો પૂરાં પાડવા માટે વ્યાવસાયિક હસ્તક્ષેપ કરવાની જરૂર પડી શકે છે.
રંગની પોપડીઓ થઈ જવાને ટાળવા માટે વિગતો પર ધ્યાન આપવું અને રંગકામની પ્રક્રિયા દરમિયાન યોગ્ય ટેકનિકનું પાલન કરવાની જરૂર પડે છે. અહીં સીલિંગ અને દિવાલો પર રંગની પોપડીઓ થઈ જવાને ટાળવા તમને મદદરૂપ થાય તેવા કેટલાક વધારાના સૂચનો આપવામાં આવ્યાં છેઃ
રંગનો ઉપયોગ કરતાં પહેલાં તેને બરોબર રીતે અને ધીમે-ધીમે હલાવવો જરૂરી છે. તેને ઝડપથી હલાવવાથી તેમાં હવાના પરપોટા થઈ શકે છે, જેના લીધે દિવાલ પર રંગ સૂકાવાની પ્રક્રિયા દરમિયાન પરપોટીઓ થઈ શકે છે. તેના બદલે રંગને હલાવવા માટે લાકડી કે પેડલનો ઉપયોગ કરો અને વધારાની હવા દાખલ થયાં વગર મુલાયમ અને સાતત્યપૂર્ણ ટેક્સચર મળે તેની ખાતરી કરવા રંગને હળવેથી મિક્સ કરો.
જ્યારે રોલર વડે રંગ લગાવી રહ્યાં હો ત્યારે તેને ધીમે-ધીમે અને રોલિંગની એકસમાન ગતિનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ બની જાય છે. અતિશય દબાવવાનું કે વધારે પડતું દબાણ આપવાનું ટાળો, કારણ કે, તેનાથી પેઇન્ટની ફિલ્મ નીચે હવા ભરાઈ જઈ શકે છે. એક બાજુએથી શરૂઆત કરો અને ધીમે-ધીમે આગળ વધો, સાતત્યપૂર્ણ ગતિ અને દબાણ જાળવો, જેથી કરીને રંગનું એકસમાન આવરણ ચઢી શકે.
અગાઉ લેટેક્સ પેઇન્ટ લગાવેલી સપાટી પર ઓઇલ-આધારિત પેઇન્ટને સીધો જ લગાવવાથી રંગ બરોબર ચોંટતો નથી અને દિવાલ પર રંગની પોપડીઓ થઈ જાય છે. બે અલગ-અલગ પ્રકારના રંગના ગુણો અલગ-અલગ હોય છે અને તેના માટે સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવી પડે છે તથા સુસંગતતાની ખાતરી કરવા માટે પ્રાઇમરનો પણ ઉપયોગ કરવો પડે છે. જો તમે લેટેક્સ પરથી ઓઇલ-આધારિત પેઇન્ટ પર કે તેનાથી વિપરિત ઓઇલ-આધારિત પેઇન્ટ પરથી લેટેક્સ પર પરિવર્તિત થવા માંગતા હો તો, આવો નવા પ્રકારનો રંગ લગાવતા પહેલાં યોગ્ય પ્રાઇમર વડે સપાટીને પ્રાઇમ કરવાની સલાહ આપવામાં આવે છે.
અહીં અગાઉ જણાવવામાં આવેલા કારણો અને ઉકેલોની સાથે આ સૂચનો તમને રંગની પોપડીઓ થવાનું શક્ય એટલું ઘટાડવામાં તથા તમારી દિવાલ પર મુલાયમ અને લાંબા સમય સુધી ટકનારી પેઇન્ટ ફિનિશ હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
રંગની પોપડીઓ/પરપોટીઓ થઈ જવી એ એક સર્વસામાન્ય સમસ્યા છે, જેના માટે પર્યાવરણની સ્થિતિ, સપાટીને કેવી રીતે તૈયાર કરવામાં આવી છે અને રંગકામની કેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના સહિત વિવિધ પરિબળો જવાબદાર છે. રંગકામના કેટલાક સૂચનોને ધ્યાનમાં રાખીને અને દિવાલ પર રંગની પોપડીઓને ટાળવાના જરૂરી પગલાં લઇને તમે તમારી દિવાલને એક પ્રોફેશનલ અને સ્મૂધ ફિનિશ આપી શકો છો, જે તમારા ઘરની સુંદરતા વધારશે અને તમારું રંગકામ લાંબો સમય સુધી ટકી રહે તેની ખાતરી કરશે.