Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
પ્લાસ્ટરિંગ એ બાંધકામ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી સદીઓ જૂની ટેકનિક છે, જેમાં દિવાલ, સીલિંગ કે પાર્ટિશનની ખુલ્લી સપાટી પર ચૂના કે સીમેન્ટ, રેતી અને પાણીના મિશ્રણ એવા પ્લાસ્ટરનું પાતળું આવરણ ચઢાવવામાં આવે છે. પ્લાસ્ટરિંગ કરવાનો પ્રાથમિક હેતુ આ સપાટીઓને મુલાયમ અને ખામીરહિત ફિનિશ પૂરી પાડવાનો, ઇંટોના કામ, કૉંક્રીટ અને અન્ય સામગ્રીઓને ઢાંકવાનો છે. તે સંપૂર્ણપણે એક સૌંદર્યલક્ષી બાબત લાગતી હોવા છતાં તે દિવાલ અને સીલિંગની સુરક્ષા, ટકાઉપણા, લેવલિંગ અને ગોઠવણના સંદર્ભમાં બાંધકામમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્લાસ્ટરના ઘણાં બધાં પ્રકારો છે અને તે વિવિધ જરૂરિયાતો, પર્યાવરણની પરિસ્થિતિઓ અને સૌંદર્ય સંબંધિત પસંદગીઓને સંતોષે છે. તો ચાલો, પ્લાસ્ટરિંગના કેટલાક સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પ્રકારો વિશે જાણકારી મેળવીએ.
સીમેન્ટ પ્લાસ્ટરિંગને ઘણીવાર સીમેન્ટ રેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સીમેન્ટ, રેતી અને પાણીનું સંયોજન કરીને બનાવવામાં આવેલા મિશ્રણને લગાવવામાં આવે છે. આ ટેકનિકથી મજબૂત અને ટકાઉ સપાટી પ્રાપ્ત થાય છે, જે હવામાનની અસર અને પર્યાવરણની સ્થિતિની સામે પ્રતિરોધ પૂરો પાડે છે. તે વિવિધ પ્રકારના તત્વોની સામે રક્ષણ મેળવવા માટે સામાન્ય રીતે ઘરની બહાર ઉપયોગમાં લેવામાં આવે છે અને તેની બહુઉપયોગીતાને લીધે વિવિધ ટેક્સચર અને ફિનિશ મેળવી શકાય છે.
પ્લાસ્ટર ઑફ પેરિસ તરીકે પણ ઓળખાતું જીપ્સમ પ્લાસ્ટરિંગ ઘરની અંદરની સપાટીઓ માટેનો લોકપ્રિય વિકલ્પ છે. જીપ્સમ એ કુદરતી રીતે ઉદ્ભવતું ખનીજ છે, જેને જ્યારે પાણીની સાથે મિશ્રિત કરવામાં આવે ત્યારે મુલાયમ પેસ્ટની રચના કરે છે, જે ઝડપથી સુકાઈ જાય છે અને સ્વચ્છ, પૉલિશ કરેલો દેખાવ પૂરો પાડે છે. આ પ્રકારનું પ્લાસ્ટરિંગ તેના આગ-પ્રતિરોધી ગુણો માટે વખણાય છે અને ઘણીવાર તેનો ઉપયોગ જ્યાં સ્વચ્છતા અને ચોખ્ખાઈને પ્રાથમિકતા આપવામાં આવતી હોય, તેવી જગ્યાઓમાં થાય છે.
સદીઓ જૂની ટેકનિક મડ પ્લાસ્ટરિંગમાં સ્થાનિક રીતે મેળવવામાં આવતાં ગારાને ઘાસ કે છાણ જેવી અન્ય કુદરતી સામગ્રીઓની સાથે મિશ્રિત કરવામાં આવે છે. તે એક ઇકો-ફ્રેન્ડલી અભિગમ છે, જે ગામઠી અને માટી જેવી ફિનિશની રચના કરે છે તથા ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન અને બ્રીધેબિલિટી પૂરી પાડે છે, જે તેને બાંધકામની પરંપરાગત અને સસ્ટેનેબલ એમ બંને પ્રેક્ટિસ માટે અનુકૂળ બનાવે છે.
લાઇમ પ્લાસ્ટરિંગમાં બાઇન્ડિંગ માટેની પ્રાથમિક સામગ્રી તરીકે ચૂનાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે અને તે તેની બ્રીધેબિલિટી અને સ્થિતિસ્થાપકતા માટે જાણીતો છે, જે માળખાંને બદલાતી સ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય છે. લાઇમ પ્લાસ્ટરનો ઉપયોગ ઘણીવાર ઐતિહાસિક બિલ્ડિંગોમાં અને રીસ્ટોરેશન પ્રોજેક્ટ્સમાં થયેલો જોઈ શકાય છે, જ્યાં માળખાંની અધિકૃતતાની જાળવણી કરવાને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે.
તેના નામ મુજબ જ વૉટરપ્રૂફ પ્લાસ્ટરની રચના પાણી અને ભેજને ખાળવા માટે કરવામાં આવી હોય છે. તે બાથરૂમ અને ભોંયરા જેવા ભેજનું જોખમ ધરાવતા વિસ્તારો માટે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારના પ્લાસ્ટરિંગમાં એડિટિવ્સનો ઉપયોગ થાય છે, જે પાણી સામેનો પ્રતિરોધ વધારે છે, જે તેને પાણીથી થતાં નુકસાન અને ફૂગના વિકાસને અટકાવવા માટે એક અસરકારક સોલ્યુશન બનાવે છે.
વિવિધ પ્રકારના પ્લાસ્ટરિંગ બાંધકામમાં વિવિધ પ્રકારના હેતુઓ સર કરે છે, જે તમામ માળખાંની એકંદર કાર્યક્ષમતા, સુંદરતા અને લાંબી આવરદામાં યોગદાન આપે છે. તો ચાલો, બાંધકામની પ્રક્રિયામાં પ્લાસ્ટરિંગ શા માટે એક જરૂરી સ્ટેપ છે, તેની પાછળના મુખ્ય કારણો વિશે જાણકારી મેળવીએ.
પ્લાસ્ટરિંગ ચણતરકામ અને બિલ્ડિંગની અન્ય સામગ્રીઓ માટે સુરક્ષાકવચ તરીકે કામ કરે છે. તે બાહ્ય પ્રભાવ, આબોહવા અને તાપમાનમાં આવતાં ફેરફારો જેવા બાહ્ય બળો સામે પ્રતિરોધને વધારે છે. ચણતરકામની માળખાંગત અખંડિતતાને મજબૂત બનાવીને પ્લાસ્ટરિંગ સમગ્ર બાંધકામની આવરદા વધારે છે.
પ્લાસ્ટરિંગની પ્રાથમિક કામગીરીઓમાંથી એક મુલાયમ અને સમતળ સપાટી પૂરી પાડવાની છે, જે રંગકામ અને અન્ય સુશોભનાત્મક ટ્રીટમેન્ટ માટે આદર્શ હોય છે. પ્લાસ્ટરિંગ કર્યા વગર અસમતળ સપાટી અને વિવિધ પ્રકારના દોષો વધુ દેખાય છે, જેના પરિણામે ખરાબ ફિનિશ મળે છે.
જો બિલ્ડિંગની સામગ્રીની સપાટી વરસાદ, પવન અને સૂર્યપ્રકાશ જેવા બાહ્ય તત્વોના સંસર્ગમાં આવે તો તે ધીમે-ધીમે ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટર એક અવરોધની રચના કરે છે, જે અંતર્નિહિત માળખાંનું વાતાવરણના હુમલાઓ સામે રક્ષણ કરે છે, જે લાંબા સમય સુધી તેની ગુણવત્તા અને દેખાવને જાળવી રાખે છે.
ભેજ પ્રવેશવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે, ફૂગનો વિકાસ, સામગ્રીઓ ખરાબ થઈ જવી અને માળખું અસ્થિર થઈ જવું. પ્લાસ્ટરિંગને ખાસ કરીને જ્યારે વૉટરપ્રૂફિંગની ટેકનિકની સાથે સંયોજિત કરવામાં આવે ત્યારે તે ભેજને દિવાલ અને સીલિંગમાં પ્રવેશતો અટકાવે છે અને માળખાંની અખંડિતતાનું રક્ષણ કરે છે.
પ્લાસ્ટરિંગ ઘરની અંદર અને બહારની સુંદરતાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે બરછટ અને અસમતળ સપાટીઓને પૉલિશ કરેલી સપાટીમાં ફેરવી નાંખે છે, જેની પર વિવિધ પ્રકારના રંગોથી માંડીને મનોરમ્ય વૉલપેપર્સ લગાવી શકાય છે.
આપણે જોયું તેમ, વિવિધ પ્રકારના પ્લાસ્ટરિંગને પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્લાસ્ટરિંગની પ્રક્રિયા અંગેની તમારી સમજણને હજુ વધારવા માટે તમને યૂટ્યુબ પર ‘દિવાલ પર પ્લાસ્ટર કેવી રીતે લગાવવું’ તે અંગેનો માહિતપ્રદ વીડિયો જોવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી તમે બાંધકામના આધુનિક પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગી સાબિત થતી જરૂરી ટેકનિકો અંગેનું વધુ સારું પરિપ્રેક્ષ્ય મેળવી શકશો.
લાઇમ પ્લાસ્ટર સૂકાઈ જવાને કારણે સંકોચન થવાથી તેમાં ક્યારેક-ક્યારેક વાળ જેટલી બારિક તિરાડો પડી જાય છે. જોકે, આવી તિરાડો મોટેભાગે ઉપરછલ્લી હોય છે અને તેને સરળતાથી રીપેર કરી શકાય છે.
પ્લાસ્ટરિંગ કર્યા બાદ દિવાલોને સંપૂર્ણપણે સૂકાવા દેવામાં આવે છે. એકવાર તે સૂકાઈ જાય તે પછી તેને આગામી સ્ટેપ માટે તૈયાર કરી શકાય છે, જે સ્ટેપ સેન્ડિંગ કરવાનો છે, જેનો હેતુ રંગકામ કે વૉલપેપર લગાવતા પહેલાં મુલાયમ ફિનિશની ખાતરી કરવાનો છે.
ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટર પર આધાર રાખીને ક્યોરિંગના દિવસો અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે સીમેન્ટ પ્લાસ્ટર માટે પ્લાસ્ટરિંગ કર્યાના બીજા જ દિવસથી ક્યોરિંગ શરૂ કરી શકાય છે અને તેને ઓછામાં ઓછા 7 દિવસ માટે ચાલું રાખી શકાય છે.
હા, તમે પ્લાસ્ટરિંગ કર્યા બાદ દિવાલોને રંગ લગાવી શકો છો પરંતુ પ્લાસ્ટર સંપૂર્ણપણે સુકાઈ ગયું હોય તેની ખાતરી કરી લેવી જરૂરી છે. એકવાર પ્લાસ્ટર સંપૂર્ણપણે સુકાઈ જાય તે પછી પ્લાસ્ટરને સીલબંધ કરવા અને રંગને દિવાલની અંદર અવશોષાઈ જતો અટકાવવા માટે પ્રાઇમિંગ પેઇન્ટ લગાવવાની ભલામણ કરવામાં આવે છે.
ઘરની અંદરની દિવાલો માટે પ્લાસ્ટરિંગના મિશ્રણનો સર્વસામાન્ય ગુણોત્તર સીમેન્ટનો 1 હિસ્સો અને રેતીના 6 હિસ્સા હોય છે, જ્યારે ઘરની બહારની દિવાલો માટે કે ભેજના સંપર્કમાં રહેતી સપાટીઓ માટે સીમેન્ટનો 1 હિસ્સો અને રેતીના 4 હિસ્સા હોય છે. જોકે, ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને તે બદલાઈ શકે છે.